ચિહ્નો કોઈ વિરામના એમાં મળ્યાં નહિ, કોણે લખી આ જિંદગીને વ્યાકરણ વિના !

ચિહ્નો કોઈ વિરામના એમાં મળ્યાં નહિ, કોણે લખી આ જિંદગીને વ્યાકરણ વિના !

10
ફેબ્રુવારી


આખું આયખું એવા કામમાં વીતાવવાનું  ?- જે કરવું ગમતું ન હોય, પણ જેની જરૃર ન હોય એવી ચીજો ખરીદવા કરવું પડતું હોય !

કયામત સે કયામત તક.

યાદ છે, હિન્દી સિનેમાની ફોર્મ્યુલા મસાલા ઢિશૂમ ઢિશૂમ ફિલ્મોથી તાસીર બદલાવી દેનારી આ ફિલ્મ? બ્લોકબસ્ટર હતી – ‘પાપા કહેતે હૈ બડા નામ કરેગા’ થી ‘અકેલે હૈ તો ક્યા ગમ હૈ’ વાળા ગીતો ધરાવતી આ રોમિયો-જુલિયેટ બ્રાન્ડ લવસ્ટોરી.

એ ફિલ્મનું દિગ્દર્શન કરેલું આમીરના કઝીન મન્સૂર ખાને. સગા કાકાનો યુવાન દીકરો. મન્સૂર ખાનના બાપ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર દાયકાઓ રાજ કરનારા દિગ્ગજોમાં એક નાસિર હુસેન. ‘તુમસા નહીં દેખા’થી ‘જબ પ્યાર કીસીસે હોતા હૈ’ બનાવનારા. ‘તીસરી મંઝિલ’ના પ્રોડયુસર. ‘યાદોં કી બારાત’ અને ‘હમ કિસીસે કમ નહીં’ના ડાયરેક્ટર. મન્સૂરને પૈસાની કમી હતી નહિ. અને અનલાઈક ફિલ્મી કિડ્સ, એ અમેરિકામાં કોર્નેલ યુનિ. અને પછી ટેકનોલોજીમાં અલ્ટીમેટ ગણાતી એમ.આઈ.ટી.માં સાયન્સ ભણેલો! દિગ્દર્શક તરીકે ભરજુવાનીમાં પહેલી જ ફિલ્મમાં કેટલાયની તકદીર બદલાવી નાખી : આમીર ખાન, જૂહી ચાવલા, આનંદ મિલિંદ, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિાક, સિનેમેટોગ્રાફર કિરણ દેવહંસ વગેરે વગેરે.

પછી પણ સેન્સિબલ ફિલ્મ્સ બનાવી  ‘જો જીતા વહી સિકંદર’, ‘અકેલે હમ અકેલે તુમ’, શાહરૃખ-ઐશ્વર્યાવાળી ‘જોશ’. ત્યારે ય સિક્કો ચલણી હતો. અને આજે તો હિન્દી ફિલ્મોમાં ટિકિટબારી પર સૌથી વધુ પૈસા ઉસેડી શકતો મેગાસ્ટાર કઝીન આમીર સાવ ઘરનો છે જ. અને પબ્લિક તો આજકાલ વોટ્સએપનું ગ્રુપ નથી છોડી શકતી!  માલમિલકત તો દૂરની વાત છે. ફિલ્મસ્ટારોની ઝલક મેળવવા ધાર્મિક દર્શન જેવી ધક્કામુક્કી કરે છે.

પણ વર્ષો પહેલા મન્સૂર ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહિ, મુંબઈ શહેર પણ છોડી દીધું! આજે તો આમીરની જૂની ઓળખાણો વટાવવા લોકો કોમર્શિયલ ફાયદો જોઈને દોડી જાય, ત્યારે મન્સૂર વર્ષોથી તામિલનાડુના હિલ સ્ટેશન કૂનૂરમાં એના બેકગ્રાઉન્ડના પ્રમાણમાં નાનકડા રળિયામણા મકાનમાં પરિવાર સાથે રહે છે, અને ખેતી કરે છે!

પત્ની ટીના અને ટીનએજર સંતાનો પાબ્લો અને ઝયાન પણ જોડે છે. નીલગિરિની પર્વતમાળા પાસે ચીઝ બનાવે છે. થોડા વખત પહેલા પરિવાર સાથે બે વર્ષ માટે આખા ભારતની યાત્રા કરી હતી. એક આજે અપ્રાપ્ય એવું નાનકડું પુસ્તક ‘થર્ડ કર્વ’ બનાવીને વિદ્યાર્થીઓમાં વહેંચ્યું હતું. જેમાં ચમકદમક અને માત્ર આર્થિક વિકાસ પાછળની આંધળી દોટ સામે સાયન્ટિફીક સમીક્ષા સાથે લાલબત્તી હતી.

મન્સૂર કહે છે કે ”ફિલ્મોમાં ક્યાંક મને લાગ્યું હતું કે હું સેકન્ડહેન્ડ બની ગયો છું. કોઈના આઇડિયાથી ઈન્સ્પાયર થાઉં છું કે પછી અન્ય કોઈ (પ્રેક્ષકો-વિતરકો-સ્ટાર્સ)ને કેવું લાગશે એ વિચાર્યા કરું છું. પણ પ્રકૃતિ સાથે ખેતી કરવી એ ફર્સ્ટહેન્ડ એક્ટિવિટી છે. ઓરિજીનલ ક્રિએટીવિટી. બધો આનંદ મૂકીને ઉતરેલી કઢી જેવા મોં રાખી ફકીર બની જવું એમ નહિ. પણ સુખસગવડોથી જીવતાં જીવતાં એટલું ધ્યાન જાગૃત બનીને ગાંધીજીની જેમ રાખવું કે આપણી તૃષ્ણા બેહિસાબ, બેસુમાર છે. પણ આ ધરતી, પર્યાવરણ જે આપે છે એ મર્યાદિત છે!”

વાતો કરવી સહેલી છે ત્યાગની. અને ખિસ્સા ખાલી હોય ત્યારે તો બધા કરતાં જ હોય છે, પણ લક્ષ્મીથી લાઈમલાઈટ બધું જ હાથવગું હોય ત્યો એ છોડીને ફિલ્મી રોમેન્ટિક યંગથીંગ્સની જેમ દુનિયાથી દૂર શાંત સુંદર કુદરતના ખોળે એક કોટેજ બનાવી સ્વર્ગની સાધના કરવી એ અઘરું છે. ઈમ્તિયાઝ અલી શહેરમાં રહીને એ સૂફી જીંદગી વીતાવે ને પડદા પર દર્શાવે છે. મન્સૂર ખાને તો કોઈ હલ્લાગુલ્લા મીડિયા એટેન્શન વિના જ એનો અમલ વર્ષોથી કરે છે.

એકચ્યુઅલી મહાવીર સ્વામીએ આવી જ વાત કરેલી કંઈક.

***

બે ઘડી બહુ અટપટી ધાર્મિક ફિલસૂફીઓ અને હથોડાછાપ ઉપદેશના ભયભીત કરી દેતા વ્યાખ્યાનો ભૂલી જાવ. એક ડિફરન્ટ મોડર્ન પરસ્પેક્ટિવથી વિચારો. મહેલોમાં રહેતા કસાયેલા શરીરવાળા યોદ્ધા રાજપુત્ર મહાવીર ‘બી વન વિથ નેચર’ થવા માટે ચૂપચાપ બધું રજવાડું છોડી એક્ઝિટ લઈ ગયા. નેચરલ મીન્સ નેચરલ, એટલે વસ્ત્રો પણ નહિ, આભૂષણોનો ઠાઠઠઠારો નહિ. જીવદયા અને અહિંસા એટલે કે ઓછામાં ઓછું મેળવવાનું. કશુંક છીનવી લેવું કે – જરૃરથી વધુ ભોગવવું એ ય હિંસા છે.

કુદરતના કાનૂનમાં ક્યાંય પરિગ્રહ એટલે કબજો, સંગ્રહ, માલિકીભાવનું પઝેશન પ્લસ ગ્રીડ નથી. માટે અપરિગ્રહમાં રહેવાનું. કોઈ જીવજંતુને પણ નડવાનું નહિ. કોઈ યંત્રના ઉપયોગ વિના (જેમ કે પૈડાંવાળો રથ) કે પશુની એનર્જી (જેમ કે, ઘોડો-બળદ) ચૂસ્યા વિના માત્ર ચાલીને જ જેટલો થાય એટલો વિહાર કરવાનો. સૂર્યાસ્ત ઢળે ને પંખીઓ જેમ માળામાં આવીને સૂઈ જ જાય એમ અંધારું થાય એટલે ભોજન એ પહેલાં જ કરીને જંપી જવાનું. અજવાળાં સમયે ઉઠી જવા માટે! એન્વાયર્નમેન્ટ કન્સર્નની રીતે કહો તો મિનિમમ રિસોર્સીઝ એટલે મિનિમમ ફૂટપ્રિન્ટસ. સ્પિરિચ્યુઅલ એંગલથી કહો તો ઓછામાં ઓછું કર્મબંધન.


Comments